મરચાં

મિહિરે ફોન કટ કરીને મને સમાચાર આપ્યા ‘મમ્મી-પપ્પા આવે છે થોડા દિવસ રોકવા આપણે ત્યાં!’ સમાચાર સાંભળતા જ હૈયામાં અનેરો આનંદ છવાઈ ગયો.સાચે જ એ લોકો આવે છે?મતલબ તેમણે અમને માફ કરી દીધા?કેટલું મોટું હ્રદય છે તેમનું!મેં ઉત્સાહિત થઈને મિહિરને તરત જ જમવાનું મેનુ પૂછ્યું.આમ તો રસોઈમાં ભાગ્યે જ એવું કઈ હતું જે હું ઘરે ન બનાવી શક્તી.નાનપણથી જ અવનવી વાનગી બનાવવાનો શોખ!અને આજે તો પહેલી વાર મારી આ કળાનો ડેમો સાસુમાં અને સસરાજીને આપવાનો હતો.આમ તો લગ્નને છ મહિના થઈ ગયા હતા પરંતુ મિહિરનાં મમ્મી-પપ્પાને મળવાનો મોકો આજે મળવાનો હતો.અમુક ખાસ સંજોગોમાં અમે મિહિરના માતા-પિતાની વિરુદ્ધ જઈને પરણ્યા.મે નહોતું ધાર્યું આટલી જલ્દી તે અમને માફ કરી દેશે.છેલ્લા એક મહિનાથી મિહિરની ફોનમાં વાત થતી એલોકો જોડે.વાત કર્યા બાદ મિહિરનાં મોઢા પર અપાર સંતોષ અને આનંદની લાગણી સાફ દેખાતી.હું ઘણીવાર કહેતી મારે પણ વાત કરવી છે પરંતુ તે કોઈ ચોક્કસ સમયની રાહમાં હોય તેમ તે મારી વાત ટાળી દેતો.મિહિરે કહેલા મેનુ અનુસાર મેં ફટાફટ જમવાનું બનવાની શરૂઆત કરી દીધી.સોજીનો શીરો બનાવ્યો,શનિવાર હતો એટલે અમારા મેનુની ફિક્સ એવી અળદની દાળ અને ભાત રાંધ્યા,શાક માટે ફ્લાવર પર પસંદગી ઉતારી.સલાડ સમારી ફ્રિજમાં મૂક્યું.રોટલી ગરમ રાખવાનું વિચારી ડ્રોઈંગરૂમમાં પ્રવેશી.ત્યાં જ મિહિરે કહ્યું તીખા મરચાં હોય તો તળી નાખજે ને! આમે તારા હાથના સ્પેશિયલ છે એ ! ચણાનો લોટ ભરીને તું કરે છે એવા અનોખા તો પપ્પાએ ચાખ્યાં જ નહીં હોય!મોઢા પર હાસ્ય સાથે હું ફરી ઊભી થઈ અને મરચાં ફ્રીજમાંથી કાઢું એ પહેલા જ ઘરની ડોરબેલ વાગી.મે ફટાફટ એપ્રન ઉતાર્યું,વાળ સરખા કર્યા અને મિહિરને ઈશારો કરી તેની પાછળ ઊભી રહી.મિહિરે દરવાજો ખોલ્યો.સાસુમાંને સસરાજી હાથમાં થોડા સામાન સાથે દરવાજો ખુલવાની રાહ જોતાં ઊભા હતા.આવકાર આપી અમે બન્નેએ ચરણસ્પર્શ કર્યા.સાસુમાં એ મિહિરને ઘણા આશીર્વાદ આપ્યા મને કહ્યું ‘સુખી રહો’.મે મોઢું હસતું રાખી તેમની આંખોમાં જોયું.તેમણે મારી સામે જોઈને કહ્યું ‘બહુ વાર લાગી દરવાજો ખોલવામાં’ તેમના આગમનનાં સમાચારથી થયેલો આનંદ જાણે એક જ ક્ષણમાં ઠરી ગયો.હું મૌન રહી.પાણી આપવા ડ્રોઈંગરૂમમાં ગઈ એટલે ગ્લાસ હાથમાં લેતા સાસુજી ફરી બોલ્યા’ફોટામાં વધારે ગોરી લાગતી હતી,પણ મિહિર કરતા તો શ્યામ નીકળી!’.જવાબમાં હું માત્ર હસી અને ફરી મારા કામે વળગી.મિહિર અને તેના માતા-પિતા ડ્રોઈંગરૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા.મે મારા ખાસ એવા મરચાની રેસીપી શરૂ કરી.ચણાનો લોટ શેકયો.મગજમાં બસ એ જ વિચારો ચાલુ હતા કે આવું વર્તન પહેલી જ મુલાકાતમાં! મતલબ સાસુમાં હજી નારાજ છે!લોટમાં અજમો નાખી ફરી શેકવાનું શરૂ કર્યું.ગેસ ધીમો કર્યો જેથી મગજનાં વિચારોને ધીમા ન કરવા પડે.છેલ્લે ગેસ પરથી લોટ ઉતારી વધુ તેલ ઉમેરી અથાણાંનો ગોળ નાખ્યો અને તે લોટના લુવા મરચાના આકારના કરીને એક થાળી પર ગોઠવી દીધા.ત્તીખા મરચાં વચ્ચેથી કાપ્યા પરંતુ તેની તીખાશ સાસુજીનાં વર્તન કરતાં ઓછી તીખી લાગતી હતી.મરચાંની અંદર તેના જ શેપમાં બનેલા લોટના લુવા નાખ્યા ટૂથપિકની સળીઓથી મરચાં બીડયા.તેલ ગરમ થયું એટ્લે તરત જ મરચાં નાખ્યા.આખા ઘરમાં તેની સુગંધ પ્રસરી.આ સુગંધ જ કદાચ મને સસરાજીથી થોડું નજીક લાવશે એવા વિચારથી ક્ષણમાત્ર આનંદ થયો.ડાઈનિંગ ટેબલ પર જમવાનું પીરસ્યું.ગરમ ગરમ રોટલી વારાફરતી સૌની થાળીમાં પીરસતી આવી.સસરાજીએ રસોઈનાં વખાણ કર્યા અને ખાસ તો મારા સ્પેશિયલ મરચાંનાં! બધા જમીને ઊભા થયા.અને મે મારી થાળી પીરસી રસોડામાં જ જમવાનું શરૂ કર્યું.પહેલું બટકું મારા સ્પેશિયલ મરચાંનું લીધું! ચાવતા ચાવતા અહેસાસ થયો દરવખત જેવા નથી બન્યા! શું ઓછું છે? ગોળ?હા લાગી રહ્યું છે! અજમો?હા સ્વાદ પરથી તો એવું જ લાગે છે.હું અકળાઇ ગઈ.અચાનકથી ભૂખ જ મરી ગઈ.પોતાની રસોઈ પરનું અભિમાન એક જ ક્ષણમાં ઓગળી ગયું.મારી શું ભૂલ થઈ એ જ વિચારો સાથે રસોડાનું તમામ કામ પતાવ્યું.ઉંઘ તો બપોરે આવતી ન હતી.પ્રતિલિપિ એપ ખોલી મારો અધૂરો લેખ પૂર્ણ કરવા વિચાર્યું.લેખનું શીર્ષક જોતાં જ મને મારી ભૂલ સમજાઈ ગઈ.કદાચ આ જ ખામી રહી ગઈ હતી.મારા જ લખેલા શબ્દોને મે ફરીથી વાંચવાનું શરૂ કર્યું.

‘એક દિવસ એક જંગલમાં ચાર-પાંચ યુવાનો શૂટિંગની પ્રેક્ટિસ કરી રહેલા.સામે વૃક્ષ પર ઠેર ઠેર ફુગ્ગા બાંધ્યા હતા.અને એક પછી એક પાંચ ફુગ્ગાને ગન વડે ફોડી નાખવાની શરત હતી.થોડે દૂર સામે જ એક પથ્થર પર એક સાધુ બેઠા હતા.એક પછી એક યુવાનને નિષ્ફળ થતો તે પોતાની નજર સમક્ષ જોઈ રહ્યા હતા.જ્યારે છેલ્લો યુવાન પણ નિષ્ફળ ગયો ત્યારે ટોળામાં રહેલા એક યુવાને એ સાધુ મહારાજનાં હાથમાં ગન આપતા કહ્યું ’લ્યો તમે કોશિશ કરો.અમે પણ જોઇયે.’ સાધુએ એક પ્રેમાળ હાસ્ય સાથે પેલી ગન હાથમાં પકડી.થોડી ક્ષણો સુધી એ વૃક્ષ અને તેના પર ઠેર ઠેર બાંધેલા ફુગ્ગાને જોયે રાખ્યું.અને અંતે પાંચ ગોળીઓ વારાફરતી એ ગનમાંથી નીકળી અને દરેકે તેનું લક્ષ્ય તો પામ્યું જ !સાધુમહારાજે યુવાનોનાં હાથમાં ગન પાછી આપતા કહ્યું ‘હું કોઈ નિશાનેબાજ નથી હો! આ બંદૂક જીવનમાં પેલી વાર હાથમાં પકડી હશે!’બીજા યુવાને પૂછી લીધું’તો?’સાધુ મહારાજે જવાબ આપ્યો ‘મારૂ હથિયાર મારી એકાગ્રતા છે! દુનિયાનું કોઈ કાર્ય તેના વગર સંપૂર્ણ થતું નથી પછી એ મારી સાધના હોય કે તમારી આવી જ કોઈ પ્રવૃતિઓ.’

મેં એક ઊંડો શ્વાસ લીધો.મારી વાર્તાનાં યુવાનો શૂટિંગ પ્રેક્ટિસ કરતા હતા અને હું કૂકિંગ પ્રેક્ટિસ! એકાગ્રતા તો કોઈ પણ કામમાં એટલી જ જોઇયે ને? કોણ કહે છે માત્ર તેજ આંખો,સોય અને દોરો હાથમાં પકડવાથી સોયમાં દોરો પોરવાઇ જવાનો?

બીજે દિવસે ફરી એટલા જ આનંદ અને ઉત્સાહ સાથે મરચાંને ન્યાય આપવાનું વિચાર્યું-પૂરતી એકાગ્રતા સાથે!  

      

Comments